Saturday 11 August 2012

પ્રામાણીકતાનો પાઠ

                                   પ્રામાણિકતાનો પાઠ
 ----------------------------------------------------------------------------------------

કેદારવનની રમણીય શોભા અને પ્રાણીઓની એકતાને કારણે આખા વનમાં ખુશીનો માહોલ હતો. વનના બધા પ્રાણીઓ સંપીને રહેતા હતા એમાં સોનુ હાથીની મહેનત જવાબદાર હતી. વનનો સૌથી જૂનામાં જૂનો ટીચર સોનુ જ હતો. તે સ્કૂલમાં બધા જ પ્રાણીઓને પ્રામાણિકતાનો પાઠ શીખવાડતો અને જ્ઞાનની વાતો કરતો.
પ્રાણીઓની એકતા બંપી શિયાળને ગમતી નહીં. તે વનના પ્રાણીઓને ઝઘડાવવાના કેટલાય પ્રયત્નો કરી ચૂકયો હતો પણ તે સફળ થયો ન હતો. એક દિવસ સવારમાં સોનુ ફરવા નીકળ્યો ત્યારે સરકસના કેટલાક માણસો તેને પકડીને લઈ ગયા. સરકસમાંથી તે ભાગી ન જાય એ માટે તેના ઉપર સખત નજર રાખવામાં આવી. તેમ છતાં થોડા દિવસ બાદ મોકો મળતાં જ તે ત્યાંથી વન તરફ ભાગ્યો. ત્યાં પહોંચતા જ તેને જૂના દિવસો યાદ આવી ગયા. એ દિવસો કે જયારે તે પોતાના મિત્રો સાથે કશીય રોકટોક વગર ફરતો. ખૂબ મોજમસ્તી કરતો. વનની એકતા જોઈને તે ખુશ થઈ જતો. કોબુ કાચબો, વીનુ વાનર તેની સાથે મસ્તી કરતા. આ બધા વિચારોમાં ખોવાયેલો સોનુ છેવટે વનમાં પહોંચી ગયો.
સોનુ વારાફરતી તેના મિત્રો પાસે જતો જ હતો કે વનનો માહોલ તેને બદલાયેલો લાગ્યો. સોનુ વિચારવા લાગ્યો કે બધાને શું થયું છે? કોઈએ પણ સોનુને સરખી રીતે બોલાવ્યો નહીં. વનનો આવો માહોલ જોઈને સોનુ દુ:ખી થઈ ગયો. તે ઉદાસ મને એક ઝાડ નીચે બેઠો. એ ઝાડની બખોલમાં છોટુ સસલો રહેતો હતો અને ઝાડની ઉપર વીનુ વાનર કૂદાકૂદ કરતો. થોડી જ વારમાં છોટુ તેની બખોલમાંથી બહાર નીકળ્યો અને તેણે વીનુને કહ્યું, ‘જયારથી પેલો સોનુ અહીં બેઠો છે ત્યારથી મારી બખોલમાં અંધારું થઈ ગયું છે. તેના ભારેખમ શરીરને કારણે સહેજ પણ અજવાળું આવતું નથી.
વીનુએ પણ છોટુની વાતને ટેકો આપ્યો. અને તે બોલ્યો, ‘હા, જોને આપણને જે ઝાડનો આશરો છે એ ઝાડના જ તે પાંદડાં ખાય છે. આમ તો એક દિવસ એવો આવશે કે જયારે આખું ઝાડ સુકાઈ જશે. કોઈ પણ ભોગે એ લોકોએ સોનુને ત્યાંથી કાઢી મૂકવો હતો. બંનેએ મળીને સોનુને એટલો હેરાન કર્યોકે તે ત્યાંથી ચૂપચાપ જતો રહ્યો. અને પહોંચી ગયો તેની શાળામાં.ત્યાં પણ બંપી શિક્ષક બની બેઠો હતો.
આંખ પર મોટા ચશ્માં ચઢાવી તે વિધાર્થીઓને શીખવાડતો હતો, ‘તમારી સ્વતંત્રતાને મુશ્કેલીમાં ન મૂકવી. જેટલા લોકો તમારી સાથે હશે એ બધામાં તમારો હિસ્સો પણ વહેંચાઈ જશે. ખાવાપીવાનું તો ઠીક, તમને રહેવાની પણ જગ્યા નહીં મળે. એટલે જ કહું છું કે બધા સાથે ભેગા રહેવું જ નહીં. સ્વતંત્ર જિંદગી જીવવી.બંપીનો પાઠ સાંભળી સોનુ સમજી ગયો કે બંપીએ ખોટી શિક્ષા આપીને વનના પ્રાણીઓને સ્વાર્થી બનાવી દીધા છે, પણ હવે કરવું શું?
વનનું એક પણ પ્રાણી સોનુની વાત સાંભળવા તૈયાર નહોતું. બસ, પછી તો કોઈને ખબર ન પડે એમ વનની બહાર એક મોટા ઝાડ નીચે સોનુ રહેવા લાગ્યો.
આમ, થોડા દિવસ પસાર થયા. અને એક દિવસ ધોધમાર વરસાદ પડતાં વનમાં ભયંકર પૂર આવ્યું. બધા પ્રાણીઓ વનની બહાર ભાગ્યા. સોનુ જયાં રહેતો હતો એ જગ્યા ઘણી ઊચી હતી. એટલે બધા પ્રાણીઓ એ જગ્યા પર પહોંચી ગયા. સોનુએ બધાની મદદ કરી. તેણે બધા જ પ્રાણીઓને આશરો આપ્યો. કેટલાક નાના પ્રાણીઓને સૂંઢમાં ઊચકીને ઝાડ ઉપર બેસાડી દીધા.
સોનુની આટલી મદદની ભાવના જોઈને બધા પ્રાણીઓના માથા શરમથી ઝૂકી ગયા. એ સમયે જ બંપી પણ ભાગતો-ભાગતો આવી પહોંરયો, પણ કોઈએ તેને બોલાવ્યો નહીં. કારણ કે બધા પ્રાણીઓ સમજી ગયા હતા કે બંપીએ તેની મીઠી-મીઠી વાતોથી સૌને સ્વાર્થી બનાવી દીધા, પણ સોનુને કારણે એક વાર ફરીથી તેઓ પહેલાં જેવા જ સંપીને રહેતા શીખી ગયા. સૌએ બંપીને વનની બહાર કાઢી મૂકયો અને સોનુનો સાચા દિલથી આભાર માન્યો.

લાલચ છે મોટો દુર્ગુણ

                                લાલચ છે મોટો દુર્ગુણ
 
સુંદરવનમાં છોટુ સસલો તેના સાથીમિત્રો સાથે રહેતો હતો. એક વખતની વાત છે. વનના રસ્તેથી ભટુ અને ગટુ નામે બે ભાઈઓ શહેર તરફ જઈ રહ્યા હતા. શહેર તરફ જવાનો રસ્તો ઘણો લાંબો હતો.
વળી, એ બંને ચાલીને થાકી પણ ગયા હતા. તેથી એક ઘટાદાર ઝાડ નીચે આરામ કરવા બેઠા. ભટુ અને ગટુને કકડીને ભૂખ લાગી હતી, પણ ખાય શું? એવામાં જ ગટુની નજર ઝાડ ઉપર ગઈ. જોયું તો એ આંબો હતો. તેના ઉપર ઘણી બધી કાચી-પાકી કેરીઓ લટકતી હતી. તરત જ ગટુએ ભટુને કેરી તોડવાનું કહ્યું. ભટુ ફટાફટ આંબા ઉપર ચઢી ગયો અને પંદરેક જેટલી કેરીઓ તોડીને નીચે ફેંકી.
પાંચ કેરી ખાધી ને બંનેનું પેટ ભરાઈ ગયું. બાકીની કેરી પોટલીમાં મૂકી દીધી. ભટુ કહે, બાકીની કેરી આપણે સાથે લઈ જઈએ. રસ્તામાં ભૂખ લાગશે તો કામ આવશે. થોડી વાર વાતો કર્યા પછી બંને ભાઈ આંબા નીચે જ સૂઈ ગયા.
ત્યાં તો છોટુ સસલો અને રોની રીંછ મસ્તી કરતા-કરતા આવી પહોંરયા. તેમને કેરીની સુગંધ આવી. બંનેના મોઢામાંથી લાળ ટપકવા માંડી. રોની કહે, ‘છોટુ, આજે તો આપણને વગર મહેનતે જ ખોરાક મળી ગયો છે. જો, આ બે જણ કેવા ઊધે છે! તેમને ખબર ન પડે એ રીતે પેલી પોટલી તું લઈ આવ.
પછી આપણે બંને આ ફળની લિજજત માણીએ. છોટુ નાનકડો હતો એટલે હળવેકથી તેણે કેરીની પોટલી લઈ લીધી. રોની અને છોટુએ ધરાઈને કેરી ખાધી. તો પણ પાંચ કેરી બાકી રહી ગઈ. છોટુ કહે, ‘રોની, ચલ જલદી આ લોકો જાગે એ પહેલાં કેરીઓ લઈને આપણે રફૂચક્કર થઈ જઈએ.
રોની કહે, ‘જો ને એ લોકો કેવા ઘસઘસાટ ઊધે છે. એમ કંઈ હમણાં નહીં જાગે. આંબાના છાંયામાં આપણે પણ થોડો આરામ કરી લઈએ. પછી કેરી લઈને નિરાંતે જઈશું.
એમ કરીને છોટુ અને રોની બંને આંબા નીચે સૂઈ ગયા. થોડી જ વારમાં ગટુની આંખ ખૂલી. જોયું તો પોટલીમાંથી પાંચ કેરી ગાયબ હતી. તેણે તરત જ ભટુને જગાડયો. બંનેએ વિચાર્યું કે જેણે પણ આપણી કેરી ખાધી છે તે અહીં જ હોવા જોઈએ. આજુબાજુ, સામે બધે જોયું પણ કોઈ દેખાયું નહીં. છેવટે આંબાની પાછળ ભટુએ નજર કરી તો સસલાભાઈ અને રીંછભાઈ આરામથી ઊઘતા હતા. કેરીના છોતરાનો ઢગલો પણ ત્યાં જ પડયો હતો. ગટુ અને ભટુએ હાથમાં લાકડી લીધી અને બંનેને ફટકારવાનું શરૂ કર્યું. રોની અને છોટુ એવા તો ભાગ્યા કે પાછા વળીને જોયું પણ નહીં.
છોટુ કહે, ‘જોયું ને રોની, વગર મહેનતે ખાધેલું ભોજન અને લાલચનું પરિણામ શું આવ્યું! જાતમહેનતથી કરેલા કામનું પરિણામ હંમેશાં સારું આવે, પણ આપણે બંનેએ ખોટું કામ કર્યું. એની જ આપણને સજા મળી.
સાચી વાત છે છોટુ. આજે આપણને જે શીખ મળી છે એ ઉપરથી ખરેખર સમજવું જોઈએ કે લાલચ નામના દુર્ગુણને આપણે જડમૂળથી દૂર કરી દેવો જોઈએ. અને જાતમહેનત ઉપર ભરોસો રાખી હંમેશાં સારા ગુણ અપનાવવા જોઈએ
- તીર્થ પટેલ